Tuesday, June 9, 2009

ગુજરાતના પ્રશ્નો માટે મુખ્યમંત્રીએ આજે સાંસદોની બેઠક બોલાવી


કેન્દ્ર સાથેના ગુજરાતના પડતર ૬૦ જેટલા પ્રશ્નો અંગેની માહિતીથી સાંસદોને વાકેફ કરાશે
લોકસભાની ચૂંટણી બાદ સંસદના આગામી સત્રમાં કેન્દ્ર સાથેના ગુજરાતના પ્રશ્નોને વાચા આપવાના હેતુસર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળનારી આ બેઠકમાં રાજ્યના ૬૦ જેટલા મહત્ત્વના પ્રશ્નો અંગેની માહિતી અને જાણકારીથી તમામ સાંસદોને વાકેફ કરવામાં આવશે. આ પ્રશ્નોમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, બંદરોની રેલ કનેકિટવિટી, નાગરિક ઉયનનો પ્લાન સહિતના પ્રશ્નો ચર્ચાની એરણે રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે બોલાવેલી સાંસદોની બેઠકમાં કોંગ્રેસના ત્રણ કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીને પણ આમંત્રણ આપ્યું છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ જેટલીની હાજરી મહત્ત્વની બની રહેશે.
આમ તો, દર વર્ષે ફેબ્રુઆરી માસમાં આ બેઠક બોલાવાતી હોય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીઓને કારણે બેઠક વિલંબથી બોલાવાઇ છે. મુખ્યમંત્રી દ્વારા તમામ સાંસદોને ગુજરાતના પ્રશ્નોને સંસદના આગામી સત્રમાં ન્યાય મળે તે હેતુથી આ પ્રશ્નોનો અવાજ સંસદમાં ઊઠે તે હેતુથી પ્રશ્ન સંબંધી તમામ પાસાઓથી સાંસદોને વાકેફ કરી માહિતગાર કરાશે.
દિલ્હી-મુંબઇ કોરિડોર ગુજરાતના વિકાસમાં પાયારૂપ છે અને તે જ પ્રકારે બંદરોની રેલ કનેકિટવિટીથી રાજ્યના ૪૩ બંદરો અને દરિયાકિનારાનો વિકાસ આસમાનને આંબે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ હોઇ આ મુદ્દાથી પણ સાંસદોને સંપૂર્ણ જાણકારી અપાશે.
આ જ પ્રકારે નાગરિક ઉડ્ડયનનો જે પ્લાન તૈયાર છે જો કેન્દ્રની મદદથી તે અમલી બની જાય તો રાજ્યના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાય તેમ છે. આમ, રાજ્યના તમામ મહત્ત્વના પ્રશ્નોની માહિતીથી સાંસદોને સજજ કરવાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા હાથ ધરાયું છે.

No comments: